test


આલેખ : કવિ પ્રકાશ ‘જલાલ’
અમદાવાદ (25 મે, 2020). જ્યારે કોઈ કલાકારને પડદા પર ભજવાતી કોઇક દુઃખદ ભૂમિકા પોતાના વાસ્તવિક જીવનમાં પણ ભજવવાની આવે છે, ત્યારે તેનું હૈયું કંપી ઊઠતું હોય છે. ફિલ્મોનાં દૃશ્યોમાં તો આબેહૂબ છટકી જઈને હંમેશા જીતી જનાર નાયકને જ્યારે એવી જ કપરી પરિસ્થિતિનો સામનો વાસ્તવિક જીવનમાં કરવાનો આવે છે, ત્યારે તે હંફી જતો હોય છે અને ઘણી વાર તૂટી ને ભાંગી જતો હોય છે. રૂપેરી પરદે મહાનાયક દેખાતો કલાકાર કદાચ એવી ઘડીને દુર્ભાગ્યપૂર્ણ ગણતો હોય છે.
હિન્દી ફિલ્મોના એટલે કે બૉલીવુડ (BOLLYWOOD)નાં પ્રસિદ્ધ અભિનેતા સુનીલ દત્તને પણ રીલ લાઇફથી ઇતર રીયલ લાઇફમાં આવી જ વિપરીત સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. આજે સુનીલ દત્તની પુણ્યતિથિ છે અને આ જ નિમિત્તે સુનીલ દત્ત (SUNIL DUTT)ની રીલ લાઇફ અને રીયલ લાઇફની કેટલીક અજાણી વાતોથી આપનો સાક્ષાત્કાર કરવા જઈ રહ્યાં છીએ.
ફિલ્મ ‘મધર ઇંડિયા’માં આગના દૃશ્ય વખતે તે વખતની પ્રસિદ્ધ અભિનેત્રી તથા નરગિસને બચાવવાના વાસ્તવિક પ્રયાસમાં ઘણા અંશે બળી જવાની ઘટના હોય કે પત્ની તરીકે એ જ અભિનેત્રીને સ્વીકારવાના પોતાના માર્ગમાં રાજ કપૂર સહિતના અનેક સંકટો ઊભાં થયાં હોય કે લગ્ન બાદ એ જ અભિનેત્રીને ગળાના ભયાનક કૅંસરની કાળજીપૂર્વકની સારવાર છતાં પત્નીનું દર્દનાક મૃત્યુ થયું હોય કે પછી પુત્ર સંજય દત્તની ડ્રગ્સની કુટેવ અને તે પછી અંડરવર્લ્ડ સાથેના સંબંધો અને ઘરમાંથી હથિયારો મળવાં અને તે પછી જેલવાસ હોય. આ બધી જ ઘટનાઓમાં હિન્દી ફિલ્મના આ મહાનાયકને ‘દર્દ કા રિશ્તા’નો જ અનુભવ થયો છે. ફિલ્મ ‘મધર ઇંડિયા’ હોય કે ‘વક્ત’, ‘મિલન’, ‘મેહરબાન’, ‘હમરાઝ’, ‘સાધના’, ‘સુજાતા’, ‘નાગિન’, ‘મુઝે જીને દો’, ‘ખાનદાન’, ‘પડોસન’ કે પછી ‘જાની દુશ્મન’ હોય, બધી જ ફિલ્મોમાં આ કલાકારે જરાય કૃપણતા દાખવ્યા વગર પોતાના અભિનયનું સર્વસ્વ લૂંટાવી દીધું.

બલરાજમાંથી કેમ સુનીલ બન્યાં ?



સુનીલ દત્તનું મૂળ નામ તો બલરાજ રઘુનાથ દત્ત હતું, પરંતુ એ દિવસોમાં બલરાજ સાહની નામ ધરાવતા કલાકાર હિન્દી ફિલ્મ ઇંડસ્ટ્રીમાં ખૂબ જાણીતા અને લોકપ્રિય અભિનેતા હતા. તેથી બલરાજે બૉલીવુડમાં પોતાનું નામ સુનીલ રાખ્યું. તા. 6 જૂન, 1929ના રોજ હાલના પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ઝેલમ જિલ્લાના ગામ ખુર્દી ખાતે તેમનો જન્મ એક બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો.
નાનપણથી જ તેમનામાં સાત્વિક સંસ્કારો હતા. ઉપર જણાવ્યું તે મુજબ મહેબૂબ ખાનની ‘મધર ઇંડિયા’ ફિલ્મમાં આગના એક દૃશ્યમાં વાસ્તવિક રીતે જ આગ બેકાબૂ બની બેસતાં ફિલ્મમાં તેમની માતાની ભૂમિકા ભજવનારાં પ્રસિદ્ધ અભિનેત્રી નરગિસને બચાવવા પોતે આગમાં કૂદી પડ્યા અને ભારે ગંભીર રીતે દાઝી ગયા. હૉસ્પિટલમાં સારવાર બાદ સુનીલ અને નરગિસ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો.
બે-બે વાર ફિલ્મફૅર એવોર્ડ જીતનાર આ પદ્મશ્રી કલાકારને ફિલ્મફેર લાઇફટાઇમ અચીવમેન્ટ તથા ફાળકે રત્ન પુરસ્કારથી પણ નવાજવામાં આવ્યા હતા. જયહિન્દ કૉલેજના સ્નાતક એવા આ કલાકારે રાજકારણમાં પગ મૂકીને કૉંગ્રેસના સાંસદ બન્યા બાદ 2004થી 2005 દરમિયાન કેન્દ્ર સરકારમાં યુવા બાબતો અને રમતગમત વિભાગમાં કેબિનેટ કક્ષાના પ્રધાન તરીકે સેવાઓ પણ આપી હતી.
પડદા પર સામાન્ય નાગરિકની લાગણીનો પડઘો પાડનારા આ અદ્ભુત અભિનેતાનું સૌથી મોટું જમાપાસું એમનો સરળ અને મિલનસાર સ્વભાવ હતું. પત્નીને ગળાનું કૅંસર થયું, ત્યારે તેમણે આકાશ-પાતાળ એક કરી નાખ્યાં હતાં અને એ જ સ્થિતિ પુત્ર સંજયને જેલમાં જવું પડે, તેવા કેસમાં મદદરૂપ થવા માટે પણ આવી હતી.

સંઘર્ષ અને સુનીલ એક-બીજાના પર્યાય બની ગયા



નાનપણથી જ અભિનયનો શોખ હતો. તેથી સુનીલ દત્ત મુંબઈ તરફ જ નજર કરતા રહેતા. તેમણે યમુના નદીના કિનારે બાળપણ વિતાવ્યું અને પછી લખનઉ ચાલ્યા ગયા. ત્યાં તેઓ અખ્તર નામ ધારણ કરીને અમીનાબાદ ગલીમાં એક મુસ્લિમ મહિલાના ઘરમાં રહ્યા. થોડા સમય પછી તેમણે મુંબઈની વાટ પકડી.
મુંબઈમાં કોઈ તેમની રાહ જોઈને તો બેઠું નહોતું, એટલે મુંબઈ પરિવહન સેવાના બસ ડેપોમાં તેમણે મહિને 120 રૂપિયાના પગારમાં ચેકિંગ ક્લાર્કની નોકરી લીધી, પરંતુ તેમને તો પોતાના અભિનયનું ચેકિંગ કરાવવું હતું એટલે ફિલ્મોદ્યોગમાં આંટાફેરા શરું કર્યાં. 1955થી 1957 સુધી તેમના આંટાફેરા સતત વધતા રહ્યા. બે વર્ષ સુધી તેઓ એક સ્ટુડિયોથી બીજા સ્ટુડિયો સુધી તેઓ ચક્કર લગાવતા રહ્યા.

અવાજથી છવાયાં રેડિયો શ્રોતાઓનાં દિલો પર



50ના દાયકામાં દક્ષિણ એશિયામાં સૌથી લોકપ્રિય રેડિયો સેવા તરીકે એ દિવસોમાં રેડિયો સિલોનની હિન્દી સેવા ખૂબ જાણીતી હતી. અમુક ચોક્કસ સમયે શ્રોતાઓ ટોળે વળીને બેસી જતાં અને રેડિયો સાંભળતાં. આવું દૃશ્ય દેશ ભરમાં લગભગ ઘેર-ઘેર જોવા મળતું. રેડિયો સિલોનમાં સુનીલ દત્તે ઉદ્ઘોષક તરીકે કારકિર્દીનાં શ્રીગણેશ કર્યાં અને કામના ભાગરૂપે તેમણે ફિલ્મી કલાકારોનાં ઇંટરવ્યૂ લેવાનું શરું કર્યું. આવા એક ઇંટરવ્યૂદીઠ તેમને 25 રૂપિયા મહેનતાણુ મળતું હતું.

‘રેલવે સ્ટેશન’થી ‘મુન્નાભાઈ એમબીબીએસ’ સુધી 100 જેટલી ફિલ્મો



સુનીલ દત્તને બૉલીવુડમાં આંટા-ફેરા અંતે 1955માં ફળ્યાં. રેડિયો સિલોનમાં આપેલી સેવાનો અનુભવ કામ લાગ્યો અને સુનીલ દત્તને રમેશ સાયગલની ફિલ્મ ‘રેલવે સ્ટેશન’માં લીડ રોલ મળી ગયો. આ ફિલ્મમાં સુનીલ દત્તના પાત્રનું નામ રામ હતું. જોકે ફિલ્મની બહુ મોટી સફળતા ન મળી અને સુનીલ દત્તને પણ ફિલ્મોદ્યોગમાં પગ જમાવવાની તક ન મળી. એટલું જ નહીં, ‘રેલવે સ્ટેશન’ બાદ સુનીલ દત્તે વધુ ચાર ફિલ્મો ‘કુંદન’, ‘રાજધાની’, ‘કિસ્મત કા ખેલ’ અને ‘એક હી રાસ્તા’ ફિલ્મોમાં કામ કર્યું, પણ દર્શકોમાં તેમની છાપ ન પડી.
અંતે 1957માં મહેબૂબ ખાનની ફિલ્મ ‘મધર ઇંડિયા’ દ્વારા સુનીલ દત્તે બૉલીવુડમાં ડંકોડ વગાડી દીધો. સુનીલ દત્તે ‘મધર ઇંડિયા’ નામની નિર્દેશક મહેબૂબ ખાનની ફિલ્મમાં શાહુકારોના શોષણની સામે લડતા એક ક્રોધી યુવાનની ભૂમિકા ભજવી હતી. માતાની ભૂમિકામાં એ જમાનાનાં ગ્લૅમરસ ગણાતાં અભિનેત્રી નરગિસ હતાં. ફિલ્મના એક દૃશ્યમાં આગ લાગતી હોય છે. એના શૂટિંગ દરમિયાન ખરેખર આગ બેકાબૂ બની ગઈ અને નરગિસ એ આગમાં ફસાઈ ગયાં. ખાન સાહેબ સહિત બધાના જીવ ઊંચા થઈ ગયા, પરંતુ સુનીલ દત્ત જેનું નામ… એ કૂદી પડ્યા આગમાં અને પોતે ગંભીર રીતે દાઝી જવા છતાં નરગિસને બચાવીને બહાર લઈ આવ્યા.

છેલ્લા શ્વાસ સુધી સક્રિય રહ્યાં સુનીલ દત્ત

નરગિસ ઉપર પણ આગની જ્વાળાઓની અસર પડી હતી. હૉસ્પિટલમાંથી રજા મળ્યા બાદ બંનેએ લગ્ન કરી લેવાનો નિશ્ચય કર્યો અને 11 માર્ચ, 1958ના રોજ તેમણે લગ્ન કરી લીધાં. 1955માં ‘રેલવે સ્ટેશન’થી એક્ટિંગ કૅરિયર શરું કરનાર સુનીલ દત્તે છેલ્લા શ્વાસ સુધી અભિનય કર્યો. એનો નમૂનો છે ‘મુન્નાભાઈ એમબીબીએસ’ કે જે 2003માં આવી હતી અને સુનીલ દત્તનું નિધન 25 મે, 2005ના રોજ થયું હતું. જોકે સુનીલ દત્ત નિધન બાદ પણ ‘લગે રહો મુન્નાભાઈ’માં તસવીરો દ્વારા તથા ‘ઓમ શાંતિ ઓમ’માં રિક્રિએશન દ્વારા દેખાયા હતાં.

બિરજૂ’ તરીકે દેશ ભરમાં જાણીતા થયા



ફિલ્મ ‘મધર ઇંડિયા’માં બિરજૂ નામના યુવાનનું પાત્ર એટલું જાણીતું થયું કે દેશ ભરમાં સુનીલ દત્તને સૌ બિરજૂ નામથી પણ ઓળખવા લાગ્યા. જમીન ધરાવતા ખેડૂતોનું શોષણ કરતા લાલા જેવા શાહુકારોની સામે ગર્મજોશ ભરી લાલ આંખોથી ત્રાંસું જોવાની કે માતાનો ઠપકો સાંભળતી વખતે ફરિયાદ કરનારી યુવતીઓ સામે ત્રાંસી નજરે જોવાની સુનીલ દત્તની છટા કદાચ એ પછીના કોઈ કલાકારમાં જોવા ન મળી.
ભારતને નવી-નવી મળેલી આઝાદીના એ સમયમાં શાહુકારોના શોષણો સામે દેશ ભરમાં જે આક્રોશ હતો, તેનો પડઘો મહેબૂબ ખાન સાહેબે આ ફિલ્મમાં ઝીલ્યો હતો અને એ પાત્રને સુનીલ દત્તે બખૂબી ન્યાય આપ્યો હતો. એથી દેશ ભરમાં સામાન્ય દર્શકથી માંડીને ફિલ્મ-વિવેચકો સુધીના સૌએ સુનીલના અભિનયની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી.

નિર્માણ, દિગ્શદર્શન અને અભિનય : ત્રિવિધ કામગીરી વચ્ચે રાજકારણમાં



સુનીલ દત્તે હિન્દી ફિલ્મોના નિર્માણની, દિગ્દર્શનની તથા અભિનયની એમ ત્રણ ત્રણ પ્રકારની કામગીરી બજાવી હતી. સ્વતંત્રતા પછીનો નવો-સવો સમય હતો. તેથી ભારતમાં મુખ્યત્વે કૉંગ્રેસ પક્ષનો પ્રભાવ હતો. તેથી તેઓ સમાજ સેવાની લગની અને લાગણી સાથે કૉંગ્રેસમાં જોડાયા હતાં. આ ત્રણ પ્રકારની કામગીરી વચ્ચે પણ તેમણે પોતાના રાજકીય સંબંધો જાળવ્યા હતા. કૉંગ્રેસના નેતાઓથી માંડીને શિવસેના સુપ્રીમો બાળા સાહેબ ઠાકરે જેવા તદ્દન વિરોધી વિચારસરણી ધરાવતાં આખાબોલા નેતાઓ સુધી સુનીલ દત્તે સૌની સાથે સંબંધો જાળવ્યા.

પુત્રના જેલ યોગમાં અભિનેતા-પિતાનો વિષાદ યોગ



મુંબઈમાં વર્ષ 1993માં જે બૉંબ વિસ્ફોટો થયા, ત્યાર બાદ સુનીલ દત્તના પુત્ર સંજય દત્તનાં ઘરની પોલીસ-તપાસમાં ઘરમાંથી એ. કે. 47 રાઇફલ મળી. અદાલતમાં સંજયે કેફિયત આપી કે પોતાના અને પિતાના રક્ષણ માટે તે લીધી હતી. લાંબા ચાલેલા કેસમાં સંજયને સજા થઈ અને જેલમાં રહેવું પડ્યું. આ દિવસો પિતા સુનીલ દત્ત માટે ખૂબ જ કપરાં હતા.
તેમણે દરેક નેતા અને પ્રધાનનાં પગથિયાં ઘસી નાખ્યાં, એમ કહેવામાં અતિશયોક્તિ નથી, પરંતુ કિસ્મતે સાથ ન આપ્યો. છેવટે તેમણે બાળા સાહેબ ઠાકરેની મદદ લીધી અને જેમ-તેમ કરીને તેમને રાહતનો ઊંડો શ્વાસ લેવાની તક મળી.
ઠાકરે માનવતાના કેવા મોટા ઉદાહરણ છે ? એ સુનીલ દત્તને કદાચ એ દિવસોમાં સમજાયું. હવે તો સામાન્ય જનતાને પણ ‘સંજૂ’ જેવી ફિલ્મ જોઈને એ વખતે સુનીલ દત્તે ભોગવેલી કરુણતાનું તાદૃશ ચિત્ર મળ્યું છે, પરંતુ આ ફિલ્મ પહેલા સુધી કોઇનેય એમની વેદનાનો ખ્યાલ નહોતો.

સંવાદો બોલવામાં ભાષાની શુદ્ધતા



સુનીલ દત્ત કેટલા મોટા ગજાના કલાકાર હતા, એ એમની ભાષાના સ્પષ્ટતા અને સુંદર ઉચ્ચારો સાંભળીને પણ સમજાય છે. ‘સાવન કા મહિના, પવન કરે સોર…’ ગીત તો કદાચ એક સામાન્ય નમૂનો છે, પરંતુ તે ઉપરાંત તેમણે જે પણ સંવાદોનાં ઉચ્ચારણો કર્યાં છે, તે દરેકમાં તેમની ભાષાકીય સ્વચ્છતા અને સજ્જતાનો પરિચય મળે છે. કયા શબ્દનો સાચો ઉચ્ચાર કયો છે, એ તેમને કદી કોઈ દિગ્દર્શકને પૂછવું પડ્યું નથી.
કદાચ તેમની રેડિયો સેવા આ રીતે તેમને કામ લાગી હશે. આજે તો બહુ ઓછા હિન્દી કલાકારોને ભાષાની અગત્યતા સમજાય છે (કેટલાક દિગ્દર્શકો તો એ દિશામાં જોતા પણ નથી), પરંતુ એ જમાનામાં ભાષાની સજ્જતા પડદા પર આવવાની તક નહોતી મળતી. અભિનય ભાષાનો પણ હોય છે, એ સુનીલ સાહેબે સમજાવ્યું. આવા સદાકાળ મહાન અદાકારને આજે એમની 15મી પુણ્યતિથિ નિમિત્તે હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ.

Post a Comment

Previous Post Next Post