test

HANUMAN JAYANTI

આલેખ : કવિ પ્રકાશ ‘જલાલ’

અમદાવાદ, 27 એપ્રિલ, 2021 (BBN). ભારતીય જાહેર જીવનમાં તથા પ્રજાકીય જીવનમાં હનુમાનજી એવા દેવ તરીકે પ્રતિષ્ઠિત છે જેઓ દરેક શ્રદ્ધાળુને પ્રિય છે. ભારતમાં કોઈ એવું ગામ નથી, કે કોઈ એવું શહેર નથી કે જ્યાં હનુમાનજીનું એક નાનું સરખુંય દેરું ન હોય.

હાજરાહજૂર દેવનો પ્રાગટ્યદિન

ભગવાન શ્રી રામના સૌથી પ્રિય મિત્ર, સખા અને ભક્ત એવા મહાવીર શ્રી  હનુમાનજીનો પ્રાગટ્યદિન એટલે ચૈત્રી પૂનમનો દિવસ. ભગવાન શ્રી રામનું નામ લેનાર કોઈ પણ વ્યક્તિની નિકટ હનુમાનજી પહોંચી જાય છે, અને એની જે પણ તકલીફ હોય એમાં તેઓ મદદરૂપ બને છે, એવી શ્રદ્ધા યુગોથી ચાલી આવે છે અને ભક્તોને બળ પૂરું પાડે છે.

છત્રપતિ શિવાજીના સ્વરાજ્ય-નિર્માણના વિસ્તૃત અને ગહન પાયાની ઈંટ મૂકવા માટે તેમના ગુરુ સમર્થ શ્રી  રામદાસે ગામેગામ રફ પથ્થરોને સિંદૂર લગાવીને શ્રી હનુમાનના સ્વરૂપે તેમની પ્રાણપ્રતિષ્ઠા કરી. આજે 300થી વધારે વર્ષ પહેલાં આ મહાન રાષ્ટ્રીય ઉપક્રમ રહ્યો હતો.

વજ્રાંગ દેવ એટલે હનુમાનજી

શ્રી  હનુમાનજી અતુલ બળના સ્વામી છે. તેમનાં અંગો વજ્ર સમાન શક્તિશાળી છે. તેમને એ જ કારણે વજ્રાંગ નામ અપાયું છે. કહેવાય છે કે, જ્યાં પણ શ્રી રામનું નામ લેવાતું હોય ત્યાં તેઓ ઉપસ્થિત થઈ જાય છે. જેમના નામે આજકાલ ઊહાપોહ ચાલી રહ્યો છે, એવા શિરડીના સાંઈબાબાએ પણ રામનામના જપ પર ભાર મૂક્યો હતો. તેઓ તો રામના નામને આ સંસારમાંથી છૂટવાનો રાજમાર્ગ ગણાવતા હતા. મહાત્મા ગાંધીજીએ પણ રામ નામના મહિમા પર ભાર મૂક્યો હતો. તો, આ બ્રહ્માંડમાં રામના મહાન ભક્ત તરીકે કોઈ હોય તો એ છે માત્ર હનુમાન. જ્યારે જ્યારે ભગવાન શ્રી રામ આ ધરતી પર આવે છે ત્યારે ત્યારે કોઈ પણ સ્વરૂપે ભગવાન શ્રી હનુમાન એમની પડખે આવીને સહાયમાં બેસી જાય છે.

હનુમાનજી સિદ્ધ યોગી, પ્રગટ દેવ

બહુ ઓછા લોકો જાણે છે કે, હનુમાનજી સિદ્ધિના દાતા દેવ છે, અને દરેક યુગમાં તેઓ પ્રગટ દેવ છે. રામકાજ માટે તત્પર, એટલે કે, સારાં કાર્યો માટે હનુમાનજી સદૈવ તત્પર દેવ છે. જે પણ ભક્ત હનુમાનજીની ભક્તિ સારાં કાર્યો માટે, પ્રજાલક્ષી કે જાહેર હિતનાં કાર્યો માટે કરે છે તેમને સૌને હનુમાનજી આશીર્વાદ આપ્યા વિના રહેતા નથી. પરાજય, થાક અને વિશ્રામથી તેઓ સદાય દૂર રહેતા. એમના માટે સતત સક્રિય રહેવું એ જ શ્રેષ્ઠ રામભક્તિ હતી. સમર્પણભાવે કરાયેલી ભક્તિથી પ્રસન્ન થતા દેવ શ્રી હનુમાનજી સદાય દલિતો, પીડિતોના રક્ષક રહ્યા છે.

વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ ભક્તિ હનુમાનજીની

અખંડ બ્રહ્મચર્ય અને સંયમની સાધનાથી વ્યક્તિમાં તેજ અને ઓજ બંને ગુણો વિકસે છે. શ્રી  હનુમાનજી આ બંનેને ધારણ કરનારા મહાન દેવ છે. બાળપણથી જ તેઓ સૂર્યદેવના સાધક બન્યા હતા. સૂર્યને પોતાના ગુરુ તરીકે એમણે સ્વીકાર્યા હતા. આપણે જાણીએ છીએ કે, સૂર્ય વિના આપણી પૃથ્વી પર જીવન શક્ય નથી. આરોગ્ય માટે પણ સૂર્યપ્રકાશ અનિવાર્ય છે. અંગ્રેજીમાં કહેવત છે કે, Where the Sun enters, the doctor does not. એટલે કે, જ્યાં સૂર્યપ્રકાશ પ્રવેશે છે તેવા ઘરમાં ડૉક્ટરને જવાની જરૂર પડતી નથી. આવા મહાતેજસ્વી સૂર્યના સાધકને તો આખી પૃથ્વી નમે જને! સૂર્યને ગળી જવાની વાતનો ભાવાર્થ આ છે, સ્થૂળ રીતે સૂર્યને ગળી જવાની વાત નથી. વિદ્યાર્થી-જીવનમાં તો હનુમાનજીની ભક્તિ શ્રેષ્ઠ પરિણામ લાવી આપે છે. જે પણ વિદ્યાર્થી કે વિદ્યાર્થિની હનુમાનજી પ્રત્યે પૂર્ણ ભક્તિભાવથી અભ્યાસ કાર્ય કરે છે, પૂર્ણ બ્રહ્મચર્ય જેવા એમના ગુણો અને અભ્યાસ પ્રત્યે શ્રી રામ પ્રત્યે હનુમાનજીને હતી એટલી લગની રાખીને અભ્યાસ કરે છે તેમને ઇચ્છિત પરિણામ જરૂર પ્રાપ્ત થાય છે.

બાળપણથી જ તેઓ ભારે ઉદ્યમી, પરિશ્રમી અને આજ્ઞાપાલક હતા. તેમની દિનચર્યા સૂર્યની ગતિ સાથે સંચાલિત થતી. સૌર-અધ્યયનના કારણે તેઓ સારા ખગોળવિદ્ અને જ્યોતિષી પણ બન્યા. શ્રી રામના પરમ ભક્ત હોવા ઉપરાંત તેઓ અનંતઆયામી વ્યક્તિત્વ-વિકાસના મહાઆકાશ છે.

હનુમાન નામ પાછળની કથા

શ્રી  હનુમાનજી કોઈ શિલાખંડ ઉપર પડવાથી તેમની હડપચી (હનુ) તૂટી જવાથી તેમનું નામ હનુમાન પડ્યું, એમ કહેવાય છે. એક જૈન માન્યતા અનુસાર, તેઓ એક એવી જ્ઞાતિ અને વંશમાં ઉત્પન્ન થયા હતા કે જેના ધ્વજમાં વાનરની આકૃતિ બનેલી રહેતી હતી.

પોતાના વિશિષ્ટ ગુણો, આકૃતિ અને વેશભૂષાના કારણે આ વનવાસી જાતિ વાનર કહેવાઈ. ભગવાન શ્રી રામે આ વાનર જાતિની સહાયતાથી દૈત્યશક્તિને પરાજિત કરી, અને દુષ્ટ રાક્ષસ રાવણનો નાશ કર્યો. આ દૈવી કાર્યમાં ભગવાન શ્રી રામની મદદમાં શ્રી  હનુમાનજી સદાય રહ્યા. તેઓ શ્રી રામની સહાયમાં એટલા ગળાડૂબ રહ્યા કે ભગવાન શ્રી રામ એમના ઋણને આજીવન મુક્તકં ઠે સ્મરતા રહ્યા.

એક સમયે પોતાની શક્તિને ભૂલી ગયા હનુમાનજી

હનુમાનજી સાક્ષાત્ દેવી સરસ્વતીના આશીર્વાદના પ્રતીક ગણાય, તેમ છતાં તેઓ જીવનના એક તબક્કે પોતાની શક્તિઓને ભૂલી ગયા હતા. દરેક માણસના જીવનમાં આવી એક ઘડી આવતી હોય છે કે જ્યારે પોતે શક્તિનો ભંડાર હોવા છતાં પોતાની જાત પરની તેની શ્રદ્ધા ડગમગી જાય છે. એ જ વાતને અહીં રજૂ કરાઈ છે. એવા સમયે વૃદ્ધ અને અનુભવી જામવન્તે તેમને પોતાની અપરિમિત શક્તિઓને પુનઃ ઓળખવાની પ્રેરણા આપી, અને હનુમાનજી પોતાની શક્તિઓને ઓળખી ગયા. પછી તેમણે પોતાની શક્તિઓના પ્રતાપે રામજીની શ્રેષ્ઠ સેવા કરી.

મૈત્રીના સર્જક શ્રી  હનુમાનજી

શ્રી રામ અને સુગ્રીવની મિત્રતાના સર્જક શ્રી  હનુમાન હતા. તેઓ દ્વેષરહિત, નિઃસ્વાર્થ અને હિતૈષી સલાહકાર હતા. રાવણના અનુજ વિભીષણને શરણ પ્રદાન કરવાની બાબતમાં હનુમાનજીની સલાહે ઇતિહાસને બદલી નાખ્યો. સમસ્ત પ્રાણીજગત માટે તેમના દિલમાં અનુકંપા હતી.

આગેવાનોમાં પરસ્પર સ્નેહ અને સૌહાર્દનું વાતાવરણ રહે તે માટે તેઓ પ્રયત્નશીલ હતા. તેમણે શ્રી રામ અને સુગ્રીવની મિત્રતા કરાવવામાં મધ્યસ્થીની ભૂમિકા ભજવી હતી. આટલું બધું કરવા છતાં તેમનામાં બિલકુલ અહંકાર નહોતો.

રામદૂત બન્યા

શ્રી રામના સલાહકાર તરીકેનો ભાર સંભાળતા શ્રી હનુમાન શ્રી રામના દૂત પણ બન્યા. હનુમાનજીમાં રહેલા વિવેક, જ્ઞાન, બળ, પરાક્રમ, સંયમ, સેવા, સમર્પણભાવ, નેતૃત્વશક્તિ અને સંસ્કાર-સંપન્નતાના કારણે તેમને અવારનવાર રામદૂત તરીકે રાવણના દરબારમાં મોકલવામાં આવ્યા હતા, અને દર વખતે તેમણે પોતાનાં કાર્યોને પાર પાડ્યાં હતાં. તેઓ હમેશાં જીત્યા અને શ્રી રામના વિજયમાં પણ ફાળો આપતા રહ્યા. તેઓ લક્ષ્મણ અને ભરતથી જરાય ઓછા નહોતા.

શ્રી રામના દૂત ઉપરાંત હનુમાનજી સામાજિક સમન્વય અને વિકાસના પણ અગ્રદૂત હતા. આજે આપણે હનુમાનજીને ઇતિહાસ અને પુરાણ બંને દૃષ્ટિએ સ્મરીએ છીએ.

સંત હિતકારી

શ્રી હનુમાનજી હિતકારી સંત ગણાય છે. તેઓ જાણતા હતા કે રાવણ મહાબળિયો છે, અને શિવભક્ત છે, પરંતુ અહંકારના કારણે તેની દુર્દશા થવાની છે. તેથી શ્રી રામ પર પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિ ધરીને તેમણે રાવણનો મુકાબલો કર્યો અને આખી લંકામાં પૂળો મૂક્યો. શિવજીના તો બંને ભક્તો જ હતા, પણ રાવણ અહંકારી હતો, જ્યારે હનુમાનજી નમ્ર અને વિવેકી હતા. કોઈ પણ નારીનું મુખ તેમણે કદી જોયું પણ નહોતું, જ્યારે રાવણ સ્ત્રી-જાતિ પર કુદૃષ્ટિ નાખતો હતો.

અતુલિત યોદ્ધા

શ્રી હનુમાનજી અજેય યોદ્ધા તરીકે સદાય શ્રી રામના પક્ષે લડ્યા છે. પવનગતિના તેઓ સ્વામી હતા. મા સીતાની શોધ અને લંકા પર વિજય મેળવવાના કાર્યક્રમોમાં તેઓ મહાનાયક બન્યા. તેઓ સુશાસિત રામરાજ્યના પુરોધા અને કૂટ-પુરોહિત પણ હતા. મહર્ષિ અગસ્ત્ય તેમના અંગે વાલ્મીકિ રામાયણમાં કહે છેઃ પૂર્ણ વિદ્યાઓના જ્ઞાતા તથા તપસ્યાના અનુષ્ઠાનમાં તેઓ દેવગુરુ બૃહસ્પતિની બરાબરી કરે છે.

જિહ્વા પર મા સરસ્વતીનો વાસ

શ્રી હનુમાનજીની જિહ્વા પર મા સરસ્વતીનો વાસ હતો. તેઓ વાણીકૌશલ્ય ગજબનું ધરાવતા હતા. તેઓ વાણીના સ્વામી હતા. શ્રી  રામ અને હનુમાનજીની પ્રથમ મુલાકાત વખતે તેમની મધુર વાતચીત સાંભળીને ભગવાન શ્રી  રામ ખૂબ જ પ્રભાવિત થયા હતા. લક્ષ્મણને શ્રી રામે કહ્યું પણ ખરું કે, આ વ્યક્તિ ચારે વેદોનો પંડિત જણાય છે.

હનુમાનજીની જિહ્લા પર શ્રી  સરસ્વતીનો વાસ હોવાથી તેઓ પંડિત હતા. તેઓ દાર્શનિક પણ હતા અને વિવિધ પંથોના સમન્વયમાં તેમને શ્રદ્ધા હતી. શ્રી રામ સમયાંતરે એમની સલાહ લેતા હતા, એમ પણ આપણા ગ્રંથો જણાવે છે.

તમે કોણ છો ?

શ્રી રામે હનુમાનજીને પૂછ્યું, કે તમે જણાવી શકો છો કે તમે કોણ છો? ત્યારે હનુમાનજીએ આ શ્લોક કહી સંભળાવ્યો હતોઃ

देहदृष्ट्या तु दसोड हं जीव दृष्टया त्वदंशकः।

आत्मदृष्ट्वा त्वमेवाहमिति में निश्चिता मतिः।।

(એટલે કે, શરીરની દૃષ્ટિએ હું આપનો દાસ છું,

અને જીવનની દૃષ્ટિએ હું આપનો અંશ છું,

તથા પરમાર્થરૂપી આત્મદૃષ્ટિએ જોઈએ

તો જે આપ છો તે જ હું પણ છું. એવું મારું નિશ્ચિત માનવું છે.)

શ્રી રામના આ પરમ અને અમર ભક્તે કદી મુક્તિની કામના કરી નથી. તેઓ તો સદાય એમ જ કહેતા રહ્યા કે હે પ્રભુ, આપનાં ચરણોમાં મારી ભક્તિ અમર તપો.

કેવી રીતે ભક્તિ કરી શકાય?

શ્રી રામના આ મહાન અને અમર ભક્ત પ્રત્યે આપણે સંપૂર્ણ સમર્પણભાવે જઈએ એનાથી મોટી કોઈ ભક્તિ નથી. સાથોસાથ એમના ગુણોને જીવનમાં ઉતારીએ તોપણ ભક્તિ સાર્થક છે. મૂર્તિઓની સામે સ્તુતિગાનથી ઉદ્દેશ પૂર્ણ નહીં થાય, બલકે શ્રી હનુમાનજી જેટલી જ શ્રી રામની ભક્તિ કરીને અને પૂર્ણ સમર્પણભાવ રાખીને મસ્તક નમાવીએ તો જ સાચી ભક્તિ છે. ચરિત્રપૂજા જ વાસ્તવિક પૂજા છે.

ભક્ત જે ભાવે ભજે એ ભાવે ભક્તનું ભાણું ભરપૂર કરી આપનારા આ દેવને આજે સ્મરીને આપણે સદૈવ સત્કાર્યો કરવાની પ્રતિજ્ઞા લઈશું તો આ કાળમાં જ નહીં, બલકે તમામ કાળમાં આપણો બેડો પાર સમજી લેજો. જય બજરંગબલી, જયશ્રી રામ.

Post a Comment

Previous Post Next Post