આલેખ : કવિ પ્રકાશ ‘જલાલ’
અમદાવાદ. ગુજરાતની સ્થાપના 1લી મે, 1960ના રોજ થઈ ત્યારથી લગભગ અનેક કુદરતી હોનારતો સામે ગુજરાતી પ્રજાએ બાથ ભીડી છે. ૧૯૭૯ની મચ્છુ ડેમ દુર્ઘટના હોય, 1998નું કંડલા વાવાઝોડું હોય કે 2001નો વિનાશક ભૂકંપ હોય, દરેક સંકટરૂપી અગ્નિપરીક્ષામાંથી ગુજરાત અગાઉ કરતાં વધારે સુદૃઢ થઈને માત્ર બહાર તો આવી જ ગયું છે બલકે, તેણે તમામ કાળરૂપી સંકટોને સ્વર્ણિમ તકમાં પરિવર્તિત કરી દીધી છે. ગુજરાતના લોકો ભીષણ દુષ્કાળને પણ આશીર્વાદમાં ફેરવી નાખવામાંય પાછા નથી પડ્યા, જે 1956ના સંવતમાં અલગ ગુજરાતની સ્થાપના પહેલાં પડ્યો હતો. ગુજરાતમાં આ ભયંકર દુષ્કાળને ‘છપ્પનિયો દુષ્કાળ’ તરીકે આજે પણ લોકો યાદ કરે છે. આ તમામ સંકટોમાં એકલી સરકાર માત્ર કશું જ કરી ન શકે, એ તો ખુમારીથી ભરેલી સાહસિક વૃત્તિના સ્વામી ગુજરાતીઓની જ છાતી કહેવાય, જેમણે આ સંકટોને વેઠી તો લીધાં જ પરંતુ પડકાર પણ કર્યો.
ગુજરાતમાં કુદરતી આફતોના ઇતિહાસનું વર્ણન એટલા માટે કરાય છે કે, ગુજરાત આજે 19 વર્ષ બાદ પ્રથમ વાર કોઈ મોટી, અથવા એમ કહો કે, 64 વર્ષ બાદ પહેલી વાર રાજ્યવ્યાપી કુદરતી આફતનો સામનો કરી રહ્યું છે. એટલું જ નહીં, આ સંકટ માત્ર ગુજરાત એકલા પર નથી, બલકે ભારત સહિત સમગ્ર વિશ્વમાં ત્રાસજનક નીવડ્યું છે, જેનું નામ છે કોરોના (CORONA) રોગચાળો. આપણે COVID 19 (કોવિડ 19)નો વિકરાળ ચહેરો સારી રીતે સમજી ચૂક્યા છીએ! ગુજરાતમાં પણ તીવ્રતાથી કોરોના સંક્રમણ ફેલાઈ રહ્યું છે તથા આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધીમાં ગુજરાતમાં કોરોનાના ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 1272 ઉપર પહોંચી ગઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 48 લોકો કોરોનાના બલિ બની ચૂક્યા છે. સંકટની આ ઘડીમાં આ આંકડો થોડી રાહત જરૂર આપે છે કે 88 લોકોએ કોરોના વાઇરસને હરાવવામાં વિજય મેળવ્યો છે. ગુજરાત એટલે એક વાણિજ્યિક-ઔદ્યોગિક રાજ્ય, જ્યાં કોરોના જેવું સંકટ માત્ર જાનહાનિ એકલી જ કરતું નથી, પણ ગત તા. 24 માર્ચથી લાદવામાં આવેલા LOCKDOWN (તાળાબંધી)થી રાજ્યની આર્થિક સ્થિતિ પર પણ કઠોર વજ્રાઘાત થઈ રહ્યો છે. પરંતુ ગુજરાતનો વિવિધ આફતો સામે લડવાનો ઇતિહાસ મહાવિકરાળ કોરોના સંકટ વચ્ચે એક નવા ઉત્સાહ અને ઊર્જાનો સંચાર કરે છે.
પ્લેગથી બદસૂરત સુરતની બદલાઈ સુરત
ગુજરાત પર કુદરતી આફતોનો વજ્રાઘાત સમયાંતરે થતો રહ્યો છે, જેમાં આપણે કોઈ ક્રમ ન જોતાં સૌપ્રથમ દક્ષિણ ગુજરાતના મુખ્ય મથક અને હીરાનગરી ગણાતા સુરત (SURAT)ની વાત કરીએ. સિલ્કસિટી તરીકે પણ વિશ્વભરમાં જાણીતા સુરત પર 1994માં પ્લેગ ( PLAGUE)નું આક્રમણ થયું. મુંબઈ હોસ્પિટલમાં દાખલ કરાયેલા ત્રણ સુરતીઓમાં પ્લેગનું નિદાન થયા બાદ સમગ્ર સુરત મહાનગર પ્લેગના ભયથી ધ્રૂજવા માંડ્યું. જોતજોતાંમાં ન્યૂમોનિક ટાઇપના પ્લેગ રોગે આખા સુરત શહેરને પોતાની લપેટમાં લઈ લીધું અ મહાનગર પાલિકા, જિલ્લા તથા રાજ્ય વહીવટીતંત્ર માટે સ્થિતિ સાથે બાથ ભીડવી એ એક મોટો પડકાર બની ગયું. આખા મહાનગરમાં અફરાતફરી તથા અવ્યવસ્થા ફેલાઈ ગઈ. પ્લેગ અટકાવવા માટે રેલવે સ્ટેશનો, બસસ્ટેશનો તથા એરપોર્ટ વગેરે સ્થળો પર તાબડતોબ તપાસકેન્દ્રો (CHECK POINTS) ઊભાં કરી દેવાયાં. 23 સપ્ટેમ્બર, 1994ના રોજ સમગ્ર સુરત શહેરમાં શાળા-કોલેજો, સિનેમાઘરો, બાગબગીચાઓ વગેરે જાહેર સ્થળો અનિશ્ચિત મુદત સુધી બંધ કરી દેવાયાં. સુરતની વસ્તીનો એક ચતુર્થાંશ ભાગ સુરત છોડીને સ્થળાંતર કરી ગયો. જોકે, સુરતમાં પ્લેગના જે 6000 કેસ ગણવામાં આવતા હતા તે વાસ્તવમાં કોઈ અન્ય બીમારીના હતા અને મૃતકોની સંખ્યા માત્ર 56 જ હતી, પરંતુ આ પ્લેગ નામના રોગે સુરત શહેરને ખૂબસૂરત રહેવાની, બનવાની અને બનાવવાની જે પ્રેરણા આપી તેની આજે પણ પ્રશંસા કરાય છે. આજે સુરત ગુજરાતનું એક સૌથી સ્વચ્છ મહાનગર છે.
કંડલા બંદર પર ચક્રવાતે વેર્યો વિનાશ
માંડ ચાર વર્ષ વીત્યાં હતાં અને સાહસિક તથા નિર્ભય ગુજરાતીઓ માટે ફરીથી પરીક્ષાનો સમય આવ્યો. તા. 1 જૂન, 1998ના રોજ અરબી સમુદ્રમાં ઉષ્ણકટિબંધીય ચક્રવાત (TROPICAL CYCLONE)નું નિર્માણ થયું. આ ચક્રવાત જૂનના પ્રથમ સપ્તાહમાં તો જરાક નબળું હતું પણ પછી જાણે કે બમણી શક્તિથી ગુજરાતના કચ્છ કિનારે પ્રહાર કર્યો. આ ચક્રવાતના પગલે ગુજરાતનું સમૃદ્ધ બંદર કંડલા તહસનહસ થઈ ગયું. કંડલા સહિત સમગ્ર કચ્છી દરિયાઈ કિનારા-વિસ્તાર તથા જામનગરના દરિયાઈ કિનારા સાથે ટકરાઈને ચક્રવાતે બંને જિલ્લાઓમાં એટલી ભારે તારાજી ફેલાવી કે 10 હજારથી વધારે લોકોના જીવ ગયા અને રાજ્યને અબજોથી વધારે રૂપિયાનો આર્થિક ફટકો પડ્યો. કંડલામાં ચક્રવાતની તીવ્રતા એટલી ભીષણ હતી કે વિરાટ અને જંગી દરિયાઈ જહાજો રમકડાંની માફક ફેંકાઈ રહ્યાં હતાં. તત્કાલીન મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે માર્ચ-1997માં જ પ્રથમ વાર સત્તા સંભાળી હતી તેને હજી તો માંડ 15 મહિના વીત્યા હતા, અને ગુજરાત પર મહાભયંકર વિપત્તિ આવી પડી હતી. આ ચક્રવાતમાં કંડલા બંદર પર કામ કરનારા તથા આસપાસમાં વસતા 10 હજારથી વધારે મજૂરો સદા માટે મોતની ચાદર ઓઢીને સૂઈ ગયા હતા. કુદરતી આફતની સામે વહીવટીતંત્ર સંપૂર્ણ રીતે લાચાર હતું, પણ આજે એ જ કંડલા બંદર સૌથી સમૃદ્ધ અને વ્યસ્ત બંદર છે. સમગ્ર કચ્છ અને જામનગર પણ પાટા પર ક્યારનાંય ચડી ગયાં છે.
મિનિટોમાં મોરબીની જળસમાધિ
જરાક પાછળ નજર કરીએ. તા. 11મી ઓગસ્ટ, 1979ના રોજ તત્કાલીન રાજકોટ જિલ્લાનું ઘડિયાળ-નગર (WATCH CITY) મોરબી, સૌરાષ્ટ્રમાં બપોરે આરામ કરવાની પરંપરા છે, તે મુજબ બપોરે આરામ કરી રહ્યું હતું, ત્યારે કોઈને કલ્પના પણ નહોતી કે થોડી વારમાં આપણે પાણીમાં ગરકાવ થવાનાં છીએ! મોરબીમાં પાણીની સવલત માટે મચ્છુ નદી ઉપર બંધાયેલા મચ્છુ ડેમ-2ના ઉપરના ભાગોમાં સતત 3 દિવસથી થયેલા ભારે વરસાદના કારણે તિરાડ પડી. ડેમ તૂટ્યો. બપોરે 3.30 વાગ્યે મોરબી શહેરમાં સમાચાર ફેલાઈ ગયા કે, મચ્છુ-2 બંધ તૂટ્યો છે. જોકે, દેશમાં કોઈને આ અંગે જાણ નહોતી. ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકાર, કોઈનેય આની કશી કલ્પના સુધ્ધાં નહોતી. પરંતુ મોરબીની જનતાને મળેલા સમાચાર સાચા હતા, પરંતુ કોઈ કશું વિચારે તે પહેલાં તો 10 મિનિટના ટૂંકા ગાળામાં મોરબી શહેરમાં બંધનાં પાણી ઘૂસી ગયાં, અને થોડી ક્ષણો પહેલાં ખુશહાલ મોરબી શહેર 3.40 વાગ્યે તો ડૂબવા લાગ્યું. ચારેકોર હાહાકાર મચી ગયો. તૂટેલા મચ્છુ-2 ડેમનાં પાણી જોતજોતાંમાં બે કલાકમાં તો મોરબીમાં એવી રીતે ઘૂસી ગયાં કે લોકો અગાસીઓ પર ચડી જવા છતાં પોતાના જીવ બચાવી ન શક્યા. માણસ માટે બચવું મુશ્કેલ હતું તો પશુઓને તો કોણ બચાવે! પાણીના ભયાનક પ્રવાહે મોરબીનાં મકાનો અને ઇમારતોને ભોંયભેગાં કરી દીધાં. લોકોને બચાવ કામગીરીની તક જ ન મળી. થોડા કલાકો પહેલાં આબાદ શહેર હવે લાશોના ઢગલામાં ફેરવાઈ ગયું હતું. જ્યાં ઘડિયાળ બનાવવાનો ઉદ્યોગ પૂરજોશમાં હતો ત્યાં સમયનું ચક્ર એવું ફર્યું હતું કે, પાણીના પૂરમાં બધું તણાઈ ગયું હતું! થોડી જ ક્ષણોમાં મોરબી શહેરે જળસમાધિ લઈ લીધી હતી. અગણિત લોકો મોત પામ્યા હતા, પશુઓનાં મોતની પણ કોઈ ગણતરી નહોતી. મોરબીમાં મોતનું આવું તાંડવ સર્જાયું છે, એ સમાચાર સૌપ્રથમ બીબીસી રેડિયોએ દેશને આપ્યા હતા. અને ત્યારે સમગ્ર દેશ સ્તબ્ધ થઈ ગયો હતો. સમાચાર મળતાં જ સર્વ દિશાઓમાંથી મોરબીમાં રાહત અને બચાવકાર્યનો ધોધ વહેવા માંડ્યો. કેન્દ્ર અને રાજ્ય સરકાર માત્ર રાહતકાર્ય જ શરૂ કરી શકી, કેમ કે, બચાવકાર્ય કરવાની તો કુદરતે તક જ આપી નહોતી! નષ્ટ થઈ ચૂકેલા મોરબીના પુનર્વસવાટમાં આખું ગુજરાત રાજ્યો જોડાયું. આજે મોરબી એક અલગ જિલ્લો છે અને વિકાસની નવી ઊંચાઈઓને સ્પર્શી રહ્યો છે.
ભૂકંપે તોડી કમર, ગુજરાતે વિશ્વને આપ્યો ‘ભૂકંપપ્રૂફ’ શબ્દ
તા. 26 જાન્યુઆરી, 2001ના દિવસે સમગ્ર દેશ 52મો ગણતંત્ર દિવસ મનાવી રહ્યો હતો. ગુજરાતમાં પણ પાટનગર ગાંધીનગરમાં મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ ધ્વજવંદન સમારોહમાં ઉપસ્થિત હતા. એ જ સમય દરમિયાન 7.7ની તીવ્રતાવાળો મહાવિનાશકારી ભૂકંપ અનુભવાયો. કચ્છની ધરતીમાંથી ઊઠેલા આ ભૂકંપે માત્ર કચ્છ એકલામાં જ નહીં, બલકે ગુજરાતનાં મહત્ત્વનાં શહેરો અમદાવાદ, સુરત સહિત અનેક વિસ્તારોમાં ભારે વિનાશ વેર્યો હતો. મોટી મોટી ઇમારતો પત્તાંના મહેલની માફક ભોંય પર પડી હતી, અને લગભગ 20,000 લોકોનાં મોત થઈ ચૂક્યાં હતાં. આ ભૂકંપે સમૃદ્ધ ગુજરાતની ઊંચી ઊંચી ઇમારતોને ખંડેરોમાં ફેરવી નાખી હતી અને લાખો લોકો જે જીવતા બચ્યા હતા તેમને ઘરબાર વિનાના કરી દીધા હતા. વિશ્વઆરોગ્ય સંગઠન, અમેરિકન રેડક્રોસ, હેલ્પેજ ઇન્ડિયા જેવી સ્વૈચ્છિક સંસ્થાઓ, દેશભરની સંસ્થાઓ, કેન્દ્ર સરકાર, ગુજરાત સરકાર અને અનેક રાજ્યોની સરકારોએ ગુજરાતની મદદ માટે હાથ લંબાવ્યો, પરંતુ ભૂકંપે જે વિનાશ વેર્યો હતો તેની સામે લડવા માટે આ બધી મદદ પૂરતી નહોતી. મદદની સાથેસાથે ફરીથી ઊભા થવાના સાહસની પણ જરૂર હતી. કાટમાળમાં ફેરવાઈ ગયેલા ગુજરાતે ફરી એક વાર પોતાની ખુમારી દર્શાવી, દેવહુમાની જેમ બેઠું થયું અને ઇમારત-નિર્માણમાં પ્રથમ વાર ‘ભૂકંપ-પ્રૂફ’ શબ્દ જોડ્યો.
19 વર્ષ પહેલાં ખંડેર બની ચૂકેલા કચ્છમાં 3 વર્ષમાં જ એવું પુનર્વસવાટ કાર્ય થયું કે વિશ્વમાં તેનું ઉદાહરણ લેવાય છે. આ પુનર્વસવાટ કાર્યનું નેતૃત્વ કરવાની તક નરેન્દ્ર મોદીને મળી, કેમ કે, ભાજપ હાઈકમાન્ડે તત્કાલીન મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને ભૂકંપની આફત સામે કામ પાર પાડવામાં નિષ્ફળ નીવડવા બદલ તા. 7 ઓક્ટોબર, 2001માં નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્યમંત્રી બનાવ્યા હતા.
‘છપ્પનિયો દુકાળ’થી ‘કોરોના વિકરાળ’ સુધી
અલગ ગુજરાતની રચના પહેલાં ગુજરાતે વર્ષ 1819માં કચ્છના રણમાં ભૂકંપનો માર વેઠ્યો હતો. તો, વર્ષ 1900 (ગુજરાતી વિક્રમ સંવત 1956)નો ભીષણ દુષ્કાળ તો ગુજરાતને ભૂખ્યા પેટે મરવા માટે મજબૂર કરી ગયો હતો! ‘છપ્પનિયો દુકાળ’ના નામે કુખ્યાત આ ભીષણ કુદરતી પ્રકોપનો પણ ગુજરાતની ખમીરવંતી પ્રજાએ સાહસથી સામનો કર્યો હતો. તા. 1 મે, 1960ના રોજ ગુજરાતની રચના બાદ પણ રાજ્યમાં 2005માં ભયંકર પૂર, 2009માં હીપેટાઇટીસ રોગચાળો, 2015માં ચક્રવાત, 2000માં અમદાવાદમાં એકસાથે થયેલો 20 ઈંચ વરસાદ સહિત અનેક મુસીબતો આવી અને આજે કોરોના વાઇરસ નામના રોગચાળાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. પરંતુ જે રીતે ભારત પોતાની તમામ આફતોને તકમાં ફેરવી નાખવાની કુશળતા ધરાવે છે એ જ રીતે ગુજરાત પણ આ મહાસંકટમાંથી હેમખેમ પાર ઊતરશે.
Read In Hindi : गुजरात स्थापना दिवस विशेष : जो विपत्तियों से न हारे कभी, वही है सदाकाल गुजराती
Post a Comment