રાહુલનું મિશન-સાઉથ અનેપ્રિયંકાનો ચાયબાગાનશો ફ્લૉપ
તમિલનાડુને બાદ કરતાં ચારે રાજ્યોમાં કૉંગ્રેસને ધોબીપછાડ
વાયનાડના ‘વીર’ ન કેરળમાં મેળવી, ન પુડ્ડુચેરીમાં બચાવી શક્યા સત્તા
આસામમાં પ્રિયંકાનો દેખાડો એળે, બંગાળમાં હાલત થઈ કંગાળ
વિશ્લેષણ : કન્હૈયા કોષ્ટી
અમદાવાદ, 1 મે, 2021 (બીબીએન). દેશનાં પાંચ મહત્ત્વનાં રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીનાં પરિણામો તા. 2 મેના રોજ જાહેર થનાર છે, પરંતુ તેના 72 કલાક પહેલાં જાહેર થયેલાં એક્ઝિટ પોલનાં પરિણામોએ કૉંગ્રેસ, તેનાં અધ્યક્ષા સોનિયા ગાંધી અને બે દિગ્ગજ નેતાઓ રાહુલ ગાંધી તથા પ્રિયંકા ગાંધી વાડ્રાની રણનીતિનાં ચીંથરાં ઉડાડી દીધા છે.
એક્ઝિટ પોલમાં પાંચ રાજ્યો પૈકીના સૌથી મોટા રાજ્ય પશ્ચિમ બંગાળમાં જ્યાં કૉંગ્રેસનું નામોનિશાન દેખાતું નથી, ત્યાં કૉંગ્રેસ પોતાના ગઢ મનાતા કેરળ તથા પુડ્ડુચેરીમાં પણ સત્તાની આસપાસ નજરે પડતો નથી. આસામમાં કૉંગ્રેસે નાગરિકત્વ-સુધારા અધિનિયમ (CAA)ને ચૂંટણી-મુદ્દો બનાવ્યો, જે એના જ ગળામાં અટકી ગયેલો જણાય છે. રાહુલ ગાંધીએ સૌથી વધારે ધ્યાન પાંચેય રાજ્યો પૈકીના કેરળ અને પુડ્ડુચેરીમાં આપ્યું, પરંતુ તેમનું નિશાન સાઉથ ફેઇલ ગયું. તો, પ્રિયંકા ગાંધી વાડ્રાનો આસામમાં ચાયબાગાન-શો પણ ફ્લોપ નીવડતો દેખાઈ રહ્યો છે. એકમાત્ર તમિલનાડુમાં જ કૉંગ્રેસને સત્તામાં ભાગીદારી મળી રહી છે, અને એ પણ અખિલ ભારતીય દ્રવિડ મુનેત્ર કઝગમ (AIDMK)ના ટેકા વડે.
કૉંગ્રેસે કેવાં કેવાં ગઠબંધન કર્યાં
કૉંગ્રેસે પાંચ રાજ્યોમાં પ્રાદેશિક પક્ષોની સાથે યુતિ કરી હતી, પરંતુ તમિલનાડુને બાદ કરતાં બાકીનાં ચાર રાજ્યોમાં તેની યુતિ કે તેનું ગઠબંધન વિરોધાભાસોથી ભરેલું રહ્યું. કૉંગ્રેસે આસામમાં જ્યાં એક તરફ ધર્મનિરપેક્ષતાના પોતાના મૂળભૂત સિદ્ધાંતની વિરુદ્ધ જઈને મુસ્લિમ ધર્મના નામે રાજકારણ કરનારા ઑલ ઇન્ડિયા યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (AIUDF)ના પ્રમુખ મૌલાના બદરુદ્દીન અજમલની સાથે ગઠબંધન કર્યું, તો બીજી તરફ કૉંગ્રેસે પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટી (BJP) તથા તૃણમૂલ કૉંગ્રેસ (TMC)ની વિરુદ્ધ ડાબેરી પક્ષ ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (CPM) તથા મુસ્લિમ ધાર્મિક સ્થાન ફુરફુરા શરીફના પીરજાદા અબ્બાસ સિદ્દીકીના તથાકથિત ઇન્ડિયન સેક્યુલર ફ્રન્ટ (ISF)ની સાથે હાથ મિલાવીને ચૂંટણી લડી લીધી. હવે, જ્યારે કેરળ અને પુડ્ડુચેરીનો મુદ્દો આવ્યો ત્યારે પશ્ચિમ બંગાળમાં ડાબેરીઓની સાથે ગઠબંધન કરનારી કૉંગ્રેસે કેરળ-પુડ્ડુચેરીમાં ડાબેરી પક્ષ-વિરોધી રાજકીય પક્ષોની સાથે ગઠબંધન કરી લીધું!
અવિચારી ગઠબંધન બન્યાં ઠગબંધન
સરવાળે સ્થિતિ એ આવી કે, તમિલનાડુને બાદ કરતાં કૉંગ્રેસ પાર્ટી બાકીનાં ચાર રાજ્યાં આડેધડ ગઠબંધન કરી કરીને સ્થાનિક સત્તારૂઢ પક્ષ અને ભાજપની સામે ચૂંટણી-મેદાનમાં ઊતરી. કૉંગ્રેસની આ વિરોધાભાસી ગઠબંધનવાળી રણનીતિ એના માટે ઠગબંધન સાબિત થઈ. આ જ કારણે કૉંગ્રેસની અસ્થિર વિચારધારા પર લોકોને ભરોસો બેઠો નહીં. પશ્ચિમ બંગાળમાં તો સમજી શકાય છે કે, ટીએમસીના ગઢમાં ભાજપે મોટી સેના સાથે ગાબડું પાડી દીધું, તેમાં કૉંગ્રેસ તો ઠીક, ડાબેરી પક્ષો પણ ક્યાંય નજરે પડતા નથી. પણ કેરળ અને પુડ્ડુચેરીમાં કૉંગ્રેસની દુર્દશા કેમ થઈ?
વાયનાડના વીરની ઘરઆંગણે જ દયનીય હાલત
કૉંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી લોકસભા ચૂંટણી-2019માં અમેઠી લોકસભા બેઠક પરથી સંભવિત પરાજય જોઈને કૉંગ્રેસના મજબૂત ગઢ ગણાતા કેરળમાં વાયનાડ લોકસભા બેઠક પરથી ચૂંટણી-મેદાનમાં ઊતર્યા હતા. તેમને વાયનાડે એમને જિતાડ્યા પણ ખરા, પણ દિલ્હીમાં ગર્જના કરનારા વાયનાડના આ વીરની કૉંગ્રેસ કેરળમાં પણ કોઈ કરામત દેખાડી નથી શકતી. પશ્ચિમ બંગાળમાં ડાબેરીઓની સાથે ગઠબંધન કરનારી કૉંગ્રેસ કેરળમાં ડાબેરીઓ સામે ચૂંટણી લડી રહી છે. પણ એક્ઝિટ પોલ મુજબ, પ્રજાએ ફરીથી એક વાર કૉંગ્રેસની આશાઓ પર પાણી ફેરવી દીધું છે. અને ડાબેરીઓ પર જ ભરોસો રાખ્યો છે.
પુડ્ડુચેરીમાં ડીએમકેના સહારે પણ સત્તા મળી નહીં
તમિલનાડુમાં કૉંગ્રેસ માટે ટેકારૂપ એવી ડીએમકે પુડ્ડુચેરીમાં કૉંગ્રેસ માટે સહારો બની ન શકી. એક્ઝિટ પોલનો અભિપ્રાય માનીએ તો, પુડ્ડુચેરીમાં કૉંગ્રેસના નેતૃત્વવાળા યુપીએને સત્તામાંથી હટાવવા માટે એનડીએ ગઠબંધન સફળ થતું દેખાઈ રહ્યું છે, જેમાં ભાજપનો સમાવેશ થાય છે. પુડ્ડુચેરીમાં કૉંગ્રેસ ડીએમકેના સહારે પણ પોતાની સત્તાને બચાવવામાં સફળ થતી દેખાતી નથી.
Post a Comment