અમદાવાદ, તા.30 એપ્રિલ, 2021 (બીબીએન). પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીનાં પરિણામોની પહેલાં તા. 29મી એપ્રિલે ગુરુવારે મતદાન પછી એક્ઝિટ પોલનાં સર્વેક્ષણો આવી ગયાં છે.
સૌથી મહત્ત્વનાં મનાતાં પશ્ચિમ બંગાળનાં એક્ઝિટ પોલનાં અલગ અલગ પરિણામોએ ભલે સટીક પરિણામોનો કોઈ સંકેત આપ્યો નથી, પરંતુ આ નિષ્કર્ષોથી એક વાત નક્કી થઈ ગઈ છે કે, દીદીના મજબૂત કિલ્લામાં હવે કાણું પડી ગયું છે!
હવે તો તા. 2 મેના રવિવારે જ ખબર પડશે કે, દીદી ગયાં કે રહ્યાં! કૉંગ્રેસથી અલગ પડીને ડાબેરી પક્ષોના કિલ્લાને પોતાની એકમાત્ર શક્તિ ઉપર ગર્જના કરીને 1998માં તૃણમૂલ કૉંગ્રેસ (TMC)ની સ્થાપના કરનારાં મમતા બેનર્જી 30થી 211 બેઠકો સુધીની ચડાઈ કર્યા બાદ આ વખતે નીચે ઊતરી જશે, અથવા વધારે ઉપર ચડવાની કોઈ શક્યતા દેખાતી નથી. બીજી મેના રોજ એ પણ ખબર પડી જશે કે, 2014થી દીદીના કિલ્લામાં કાણું પાડનારા નરેન્દ્ર મોદી અને અમિત શાહ ભારતીય જનતા પાર્ટી (BJP)ને 3 બેઠકોથી 70 ગણી આગળ વધારીને 200 બેઠકોની પાર લઈ જવામાં સફળ થશે કે નહીં, એ જોવાનું રહેશે. શું ખરેખર મોદીએ દીદીના કિલ્લામાં માત્ર કાણું જ પાડ્યું છે કે, પૂરેપૂરો કિલ્લો જ ધ્વસ્ત કરી દીધો છે?
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી-2021 માટે કરાયેલા વિવિધ એક્ઝિટ પોલના અલગ અલગ દાવા છે. કોઈ એક્ઝિટ પોલ સીધેસીધી મમતા બેનર્જીના પુનરાવર્તનની વાત કરે છે, તો કોઈ ભાજપ (BJP)ને સ્પષ્ટ બહુમતી મળશે, એમ કહે છે. કેટલાક એક્ઝિટ પોલ ત્રિશંકુ વિધાનસભાના સંકેત આપે છે, પરંતુ તમામ એક્ઝિટ પોલનો નિષ્કર્ષ એક જ છે કે, 2016માં પ્રથમ વાર 3 બેઠકો પર વિજય મેળવનાર ભાજપને 5 વર્ષમાં જ 40થી 60 ગણો હનુમાન-કૂદકો મારવાની તક આ વખતે મળી છે. ભલે 2 મેના રોજ જાણવા મળશે કે, 2006માં 30 બેઠકોની સાથે શરૂઆત કરીને 2016માં 211 બેઠકો સુધી પહોંચનારો ટીએમસી પક્ષ સિંહાસન બચાવી શકશે કે કેમ, પરંતુ એ નિર્ણય તો થઈ જ ચૂક્યો છે કે, 2016માં 3 બેઠકોથી શરૂઆત કરનાર ભાજપ 5 વર્ષમાં જ 40થી 60 ગણી છલાંગ લગાવીને 120થી 180 બેઠકો જીતી જશે એ નક્કી છે.
ભાજપ-ટીએમસી 5-5 એક્ઝિટ પોલમાં બહુમતીની નજીક
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી-2021માં મતદાન પછી સર્વેક્ષણ કરનારી એજન્સીઓ મતદારોના મન કી બાત સારી રીતે સાંભળવામાં નિષ્ફળ ગઈ છે, કેમ કે, કુલ 11 એક્ઝિટ પોલમાં ટીએમસીને 5, અને ભાજપને 5 પોલ બહુમતીની નજીક લઈ જાય છે. ક્યારેક તો એવું લાગે છે કે, એક્ઝિટ પોલ પોતે જ કન્ફ્યૂઝ છે, કે પ્રજાએ ઇવીએમમાં કેવો જનાદેશ આપ્યો છે. આવા તબક્કે તા. 2 મેના દિવસે જ જાણી શકાશે કે કોનું એક્ઝિટ પોલ એક્ઝેક્ટ સાચું પડ્યું છે!
Post a Comment