સંજીવની સમાન વૅક્સિનની ઉપેક્ષા કરવી યોગ્ય નથી
કન્હૈયા કોષ્ટી
અમદાવાદ, 27 એપ્રિલ, 2021 (BBN). લગભગ 139-140 કરોડની વસતીવાળા વિશાળ ભારત દેશમાં વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન ગત તા. 1 એપ્રિલ, 2021થી શરૂ થયું છે, જેમાં 45 વર્ષ કે તેનાથી વધારે ઉંમરના લોકોને કોરોના સંક્રમણ વિરોધી વૅક્સિન મૂકવામાં આવી રહી છે, પરંતુ આને સામાન્ય નાગરિકોની ઘોર નિદ્રા જ કહેવાય કે આ વૅક્સિન માટે પાત્રતા ધરાવતા 30 કરોડ લોકોમાંથી અત્યાર સુધીમાં માત્ર 15 કરોડ લોકોએ જ કોરોના વિરોધી રસી મુકાવી છે !
વર્ષ 2011ની વસતી ગણતરી અનુસાર દેશમાં કુલ વસતીના લગભગ 20 ટકા લોકો 45 વર્ષ કે તેથી વધારે વયના નાગરિકો છે. હાલની વસતી અંદાજે 140 કરોડને 20 ટકાના હિસાબે ગણીએ તો વૅક્સિન માટે લાયક નાગરિકોની સંખ્યા લગભગ 30 કરોડ જેટલી થાય, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે એક બાજુ કોરોનાનો ભારે ચેપ ફેલાતો જઈ રહ્યો છે, તો બીજી તરફ 26 દિવસોમાં માત્ર 14 કરોડ 71 હજાર 186 લોકોએ જ એટલે કે 50 ટકાથી પણ ઓછા લોકોએ વૅક્સિન લીધી છે. હવે આપ જ વિચારો કે કેન્દ્ર કે રાજ્ય સરકારો ભયંકર કોરોના સંક્રમણના વાવાઝોડાને કાબૂમાં લે પણ કેવી રીતે ?
બીબીએનની પ્રબળ અપીલ
‘ભવ્ય ભારત ન્યૂઝ’ એટલે કે બીબીએન દેશના 45થી વધારે વય જૂથના લોકોને પ્રબળ અપીલ કરે છે કે પ્લીઝ, કોરોના વિરોધી રસી મુકાવો. એવું નથી કે આ રસીકરણ અભિયાન પૂરું થવાનું છે, પણ આપણે જાણીએ છીએ કે 45+ વય જૂથમાં મોટી સંખ્યામાં વૃદ્ધો-વડીલો પણ હશે. એવા સૌ વરિષ્ઠજનોને અમારી અપીલ છે કે તેઓ 1 મે પહેલાં વૅક્સિન લઈ લે, જેથી લાંબી લાઇનો અને ભારે ભીડનો સામનો ન કરવો પડે.
તો ત્રણ ગણી હશે ભીડ અને લાઇનો !
આપણે સૌ જાણીએ છીએ કે કેન્દ્ર સરકારે 1 મે, 2021થી 18 વર્ષ કે તેથી વધુ વયના તમામ નાગરિકોને રસી આપવાની જાહેરાત કરી છે. સ્વાભાવિક છે કે 1 મેથી રસીકરણ કેન્દ્રો પર 45+ જ નહીં, બલકે 18+ વય જૂથના લોકોની પણ ભીડ ઉમટી શકે છે. એક અંદાજ અનુસાર દેશમાં 18 વર્ષ કે તેનાથી વધુ વયના લોકોની સંખ્યા લગભગ 84 કરોડ છે. એવા તબક્કે 45+ વય જૂથના લોકોએ વિચારવું જોઈએ કે હજી જ્યારે એમના વર્ગના 30 કરોડ લોકોના રસીકરણમાં જ ભીડ અને લાઇનો છે, તો 1 મેથી 84 કરોડ લોકોની ભીડ આવશે, ત્યારે રસીકરણમાં કેન્દ્રો ઉપર કેટલી ભીડ અને લાઇનો હશે ?
હજી પણ 4 દિવસ છે !
બીબીએન ઇચ્છે છે કે દેશના 45+ વય જૂથના રસી ન લેનારા લગભગ 15 કરોડ લોકો 1 મે બાદ વધનારી ભીડ અને લાંબી લાઇનોથી બચવા માટે 30 એપ્રિલ સુધીમાં કોઈ પણ ભોગે રસી મુકાવી દે. વડીલો-વૃદ્ધો પાસે હજી પણ 4 દિવસનો સમય છે. આવામાં બીબીએન તમામ વૃદ્ધ-વડીલોને હાથ જોડીને વિનંતી કરે છે કે 1 મે પહેલાં એટલે કે 30 એપ્રિલ સુધીમાં પ્લીઝ રસી લઈ લો.
Post a Comment